પપ્પા મારો શું વાંક ? : દારૂના અતિસેવને સારા ઘરનો યુવાન ભરખાયો,ચોવીસીમાં અરેરેરાટી...

20190122_084238-504x284-15

પપ્પા મારો શું વાંક ? : દારૂના અતિસેવને સારા ઘરનો યુવાન ભરખાયો,ચોવીસીમાં અરેરેરાટી...

અનેક ગડમથલ‌ પછી આ કલમ ચાલી છે કોક‌ પોતાના હાથે મોતને ભેટયો એના માટે નહીં પણ કોક જીવે છે એ માટે આ સંવેદના વહી છે .. વાડી વેચવી પડી..એક વેચી બીજી વેચવા કાઢી....મારા દીકરા માનતા નથી...કહી કહીને થાક્યો...મારી ભૂલ થઈ યોગ્યતા વગર કમાણી સોંપી દીધી..થયું, સમયસર જવાબદારી સોંપી દઉ.. મારી ધારણા ખોટી ઠરી. જુવાનજોધ દીકરો ખોયો..અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલના બિછાને લિવર ફેઈલ અવસ્થામાં પહેલાં મોટો અને હવે નાનો ...કરોડોના ખર્ચ અને પારાવાર પીડા...બાપ કરી કરીને કેટલું કરે.. પરિવારને પારાવાર સંકટમાં નાખી વિવેકહીન વ્યક્તિએ પાંચમાં પુછાય એવા સારા પરિવારને ક્યાંયનો ન રાખ્યો ..!! આ રિપોર્ટ સ્મશાન માંથી લખી રહ્યો છું એના પિતા મારી સામેની સિમેન્ટ ખુરશીમાં બેઠા છે ડૂસકાં ચૂંથાઈ ગયા છે દેહને ગોઠવતા દૂર ઊભેલા કે નારિયેળ હાથમાં લઈ પ્રદક્ષિણા ફરતા દરેકને ખબર છે આ મોત કેમ થયું છે ? નશો ખરાબ છે દારૂની બદી વકરી છે એવી વાતો ચોરે ચોટે થઈ રહી છે અને હજીએ બેત્રણ દિવસ થશે પછી શું ? ફરી એક માતા છાતી કૂટશે ને કોક જૂવાન જોધ નિર્દોશ નવોઢાની બંગડી ભાંગશે ... કુદરતી આપદા હોય તો કોઈ આશ્વાસન પણ આપે જ્યારે આ તો હાથના કર્યા ...!! ભાઈ માંડ બચ્યો એના પત્નિનું લિવર ખપ લાગ્યું...ચેહ પર નશ્વર દેહ માથે હાથ રાખી ચોધાર આંસુ પડ્યા ..આ લખનાર આ કણબી પરિવારના સાંવેગિક સંપર્કમાં અને સામાજિક આશ્વાસન આપનાર પણ ..બધું સાક્ષીભાવે જોઈ રહ્યો છું ..આંસુ સારનાર કે આશ્વાસન આપનારે એને સમયસર રોક્યો‌ હોત..તો..?? અમારો શું વાંક પપ્પા ?? આનો બાપ નશામાં ગયો... ભલે મોઢે કોઈ ન બોલે પણ પીઠ પાછળ જીવનભરનું‌ મેણું.... આ એક કિસ્સો નથી અનેક ઘરની આ કહાણી છે..ભીંતોને પુછો કાન ફાડી નાખે તેટલો ચિત્કાર ઓઢીને ઊભી છે . હિબકા હજી સંભળાય છે વાત પાંસળીમાં ફાંસની જેમ કણસે છે બળબળતી ચિતા સામે બેસી આ ચિતાર લખી રહ્યો છું અનેક સંવેદના ઉભરો લઈ રહી છે થાય છે એના પિતાને ખભે હાથ રાખનાર એના પરિવારના સ્નેહી અને સુખદુ:ખમાં ભાગીદારો જો‌ મરનારને "બેઠક" સુધી ન દોરી ગયા હોત કાંતો ત્યાં જતાં સમયસર રોક્યો હોત તો કદાચ આજે આ યુવાન હયાત હોત..પિતાએ જ કહ્યું સંગત અને મારા સંસ્કારમાં ઓછપ રહી..શું થાય જેવા અમારા નસીબ...પણ આ કિસ્સો નસીબનો‌ નથી. નિર્ણય શક્તિનો છે દ્રઢ મનોબળના અભાવ અને ચોવીસીના સારા ઘરોમાં આવેલી સ્વછંદતાનો છે આ સ્થિતી વિદેશમાં પણ છે ક્યાંક મદીરા તો ક્યાંક‌ મીરા કે મરૂગીની સ્વરૂપે આ ઝેર ફેલાયું છે..જેના કારણે અનેક સમસ્યાઓ છતી થઈ રહી છે . વ્યસનમુકતિ અને સદાચારની જનસામાન્ય છાપ ધરાવતી જ્ઞાતિમાં ભલે એકલદોકલ પણ આવા કિસ્સા અટકવા જોઈએ...પહેલાં શોખ ખાતર બિયરના ડબલે‌ શરુ થતી લત્ત અને વાડીપાર્ટીઓ કોકનો સિંદુર ભૂંસી નાખે ત્યારે શું ભૂલ કરનાર એકલો‌ જ આ વિપદ્દા માટે જવાબદાર છે ? ના. મરનારે તો ઝેરના પારખાં કર્યાં પણ આવા વાતાવરણને પોષનાર પોતાને અમુક પ્રકારના વિશેષાધિકારી માનતા અને અમુક પ્રકારના " કેફ" માં ચોવીસ કલાક રાચનારને સમજવાનું છે કે માંદગીમાં નાણાંકિય અને મેડિકલ સહાય માટે પરિવારના સુખદુખના સહયોગી તરીકે દોડવા કરતાં ખરાબ આદતોને અનાયાસે સમર્થન આપતી વખતે જાગવાની જરૂર હતી... આ પ્રશ્ન આ લખનાર સહીત દરેકે પોતાની જાતને પુછવાનો‌ છે. સાવધાન : આ કિસ્સો આજે આ પરિવારનો છે કાલે આપણા પરિવારના નામે ચડી શકે છે...ગંધાતા ફ્રીજ ગંધાતા આચરણનું પ્રતિફલન છે... આજે સમાજની એક દિકરી‌ વિધવા થઈ છે એનો સિંદુર ભૂંસનાર કોણ ? એ દીકરીઓનો શું વાંક ? કે જેણે જીવનભરનું સમર્પણ કર્યું .. એના હિબકાને કોણ ઠારશે..! સંતાનો‌ છત્ર વિહોણા થયા છે અને એ આપણા જ હાથે.. આવો આ યુવાનની ભૂલને સામે રાખી નશાનો દરેક પ્રકારે ત્યાગ કરીએ આ યુવાનના કમોતને બલિદાન બનાવીએ...