શુભમ્ ભવતુ....સમાજનો‌ મહોત્ત્સવ સફળ થાઓ : મહંત સ્વામિના આશીર્વાદ ,‌ ભુજ મંદિરને પત્રિકા પાઠવાઈ

inCollage_20181207_043817548-28

શુભમ્ ભવતુ....સમાજનો‌ મહોત્ત્સવ સફળ થાઓ : મહંત સ્વામિના આશીર્વાદ ,‌ ભુજ મંદિરને પત્રિકા પાઠવાઈ

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ અને શ્રી સ્વામિનારાયણ મંદિર‌ ભુજનો‌ નાતો મધમીઠો રહ્યો‌ છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ બે સંસ્થાઓએ સાથે સેવા કામ કર્યા ત્યારે હજારો જીવોના કલ્યાણની પ્રવૃત્તિ થઈ છે. જેમાં ભુજ મંદિરનું સુજ્ઞ ટ્રસ્ટી મંડળ પણ સાથે રહ્યું‌ છે. આગામી ડિસેમ્બર 2018 તા. 28,29,30,31 ના ગરિમા મહિત્સવનું આમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજને આપવા ભુજ સમાજની ત્રણેય પાંખના કારોબારી સભ્યો જોડાયા હતા. અધ્યક્ષશ્રી ગોપાલભાઈ‌ માવજી ગોરસીયાએ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ સહિતના વિકાસની વિગતો જ્યારે અરજણભાઈ પિંડોરીયાએ ઉત્સવના 7 સત્રીય આયોજનની વિગતો આપી હતી. દુકાળ હોઈ સમાજે સાંજના ભોજનનો ત્યાગ કરી માનવ તનનું અન્ન ભૂખી ગૌમાતાની આંતરડી ઠારવા અર્પવાની ઉચ્ચ ભાવના વ્યક્ત કરી હતી. સંતોએ સમાજની આ ભાવના પ્રત્યે ખૂશી વ્યક્ત કરી હતી. ભુજ મંદિરના મહંત પુરાણી પ.પૂ. ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી , કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત, વરિષ્ઠ સંત પૂ. ભગવદજીવનદાસજી સ્વામી, ભુજ મંદિરના વિદ્વાન કોઠારી શાસ્ત્રી વક્તા પૂ. નારાયણમુનિદાસજી સ્વામીના હસ્તમાં પત્રિકાઓ પાઠવતાં ભુજ સમાજે મહોત્સવની સફળતા માટે આશીર્વાદ વાંછ્યા હતા. મહંત સ્વામીએ કહ્યું ...આ મહોત્ત્સવ લોક કલ્યાણને વરેલો હોઈ‌ જરૂર સફળ થશે. અને તમામ હરિભકત ભાઈ બહેનો સાથ આપશે સાથે સમગ્ર લેવા પટેલ કચ્છ સત્સંગ સાથ આપશે...તેમણે સર્વે હરિભક્ત ભાઈ બહેનોને આ ઉત્ત્સવ સફળ બનાવવા આશીર્વાદ અર્પ્યા હતા. વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગતે પણ આરોગ્ય ક્ષેત્રે સમાજ દ્વારા કાર્ડિયાક અને કેન્સર વિભાગો માટે થયેલ પહેલને સમયોચિત અને ઐતિહાસિક ગણાવતાં લોક કલ્યાણના આ માર્ગને ભુજ મંદિર પૂરેપૂરો સાથ આપશે તેવો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો. ભુજ મંદિર દ્વારા વર્ષ 2010 માં પાંચ કરોડના દાનથી સમાજને અપાયેલ‌ MRI આજે દૈનિક 18 નિદાન કરે છે. એની વિગતો અરજણભાઈએ આપી‌ ત્યારે આ મહાદાનના પ્રેરક સંતોના મુખ પર સંતોષના ભાવ પ્રગટ્યા હતા.ભુજ મંદિરના કરોડોના દાનથી યોજાયેલા મેગા મેડિકલ કેમ્પોમાં સમાજની એમ.એમ.પી.જે. લેવા પટેલ હોસ્પિટલે આપેલા‌ વ્યવસ્થા સહયોગને મહંત સવામીએ યાદ કર્યો હતો. સમાજવતી ઉપપ્રમુખ કે.કે.હિરાણીએ સાઈકલયાત્રા સહિતની વિગતો આપતાં ભુજ સમાજના કાર્યો ભુજ મંદિરના પૂજ્ય સંતોના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાનો ઈતિહાસ સ્મર્યો હતો. સાંખ્યયોગી મહંત પૂ. સામબાઈ ફઈને પણ સમગ્ર કર્મયોગી સહ આમંત્રણ પત્રિકા‌ પાઠવાઈ હતી. અને મહોત્સવમાં પધારવા આમંત્રણ અપાયું હતું. તા. 28/12/2018 સવારે 9 કલાકે મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂ. વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત આદી વરિષ્ઠ સંતોના હસ્તે ભુજ સમાજ ગરિમા મહોત્સવનો મંગળ દીપ પ્રગટશે અને પ્રારંભ થશે. ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ મંડળને પણ મહોત્સવ માં પધારવા આમંત્રણ અપાયું હતું. સંતોએ શાસ્ત્રોકત વચનો સાથે શુભમ્ ભવતુ...શુભ થાઓ....સર્વદાની અમિયલ‌ અંતરોઉર્મિ વ્યક્ત કરી હતી.