ભુજ સમાજમાં 70% નવા દાતા જોડાયા : સંસ્થા મહાન

Image

ભુજ સમાજમાં 70% નવા દાતા જોડાયા : સંસ્થા મહાન

ગરિમા મહોત્સવની સાથે બિઝનેસ પ્રદર્શનમાં રવિ-સોમે ભીડ ઊમટી હતી. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે 70 ટકા નવા દાતાઓ આગળ આવતાં સંસ્થા જ મહાન છે, વ્યક્તિ નહીં, કાર્ય મહાન છે, કાર્યકર્તા નહીં, એ સિદ્ધાંત સાચો ઠર્યો હોવાનું વડીલોએ કહ્યું હતું. ધારણા કરતાં સવાયો સફળ આ મહોત્સવ કચ્છના કિડની, હૃદય અને કેન્સરના તપ્ત દર્દીઓને સમર્પિત હોવાની જાહેરાત કરાઈ હતી. લેવા પટેલ જ્ઞાતિમાં કન્યા-કુમાર દર સુધારવા અને વિશ્વ મંગળ પ્રાર્થના સાથે ઉત્સવે વિરામ લીધો હતો. દાતાઓને સન્માનાયા હતા. મોટા દાન અર્પણ વિધિના થનગનાટની ક્લિપો વાયરલ થતાં દુનિયાભરના કચ્છી-ગુજરાતીઓએ સંસ્થાને અભિનંદનની વર્ષા કરી હતી. શ્રેષ્ઠી દાતાઓના વિચાર, જ્ઞાતિજનોનું આર્થિક સ્તર સુધારવા સમાજ કૃતસંકલ્પ છે એવું દૃઢપણે જણાવતાં મહોત્સવના મુખ્ય કન્વીનર અને કચ્છમાં હૃદય, કિડની, કેન્સરની હોસ્પિટલ શરૂ થાય તેના ભાગીરથ ગોપાલભાઈ ગોરસિયાએ બિઝનેસ ઉત્કર્ષ સત્રમાં વ્યવસાયકાર તરીકે બોલતાં કહ્યું, કોઈપણ ધંધામાં બે વર્ષ તપસ્યા કરવી પડે છે. બિનઅનામત આયોગ ચેરમેન હંસરાજ ગજેરાએ કન્યા સહાય સહિતની સરકારી મદદની માહિતી, કૃષક વેલજી ભુડિયાએ બજાર આધારિત અને કુદરતી ખેતી, મૂળજીભાઈ પિંડોરિયાએ પેકેજિંગ, આયુર્વેદિક વિભાગ સહિતની વિગત, ગુજરાત બહાર વ્યવસાય માટે ભચુભાઈ આરેઠિયાએ વિષય મૂક્યા હતા. અધ્યક્ષપદેથી અરજણભાઈ પિંડોરિયાએ રજૂ થયેલા વિચારોનું વિશ્લેષ્ણ કર્યું હતું. ચોથા દિવસ સોમવારે સવારથી બિઝનેસ પ્રદર્શન વિભાગ મુલાકાતીઓથી વ્યસ્ત રહ્યો હતો. પ્રારંભમાં રજૂ થયેલા સ્ટોલમાં મોટા ભાગના સ્વઉત્પાદન હોવાનો પ્રતિભાવ વ્યકત કરતાં મોભી આર.આર. પટેલે આયોજનને બિરદાવ્યું હતું. આ પ્રદર્શન હજુ વધુ બે દિવસ હોવું જોઈએ તેવી લાગણી સ્ટોલધારકોએ વ્યક્ત કરી હતી. ખાણીપીણીના સ્ટોલધારકોને તડાકો પડી ગયો હતો અને આ પ્રયોગને સફળ ગણાવ્યો હતો. સમાપન સત્રમાં પરિવર્તનના પથદર્શક ગોપાલભાઈએ કહ્યું સર્વે દાતાઓનો આભાર માન્યો હતો. તેમણે આ વખતે પ્રથમ વખત નવા દાતાઓ પણ જોડાયાના સંતોષ સાથે આ સંખ્યા 70 ટકાની હોવાની માહિતી આપી હતી. ગરિમા મહોત્સવમાં બે મોભી અરજણભાઈ પિંડોરિયા અને આર.એસ. હીરાણીની દાયકાઓની સેવાની નોંધ લઈ આશીર્વાદ-માર્ગદર્શકની ભૂમિકામાં હંમેશાં સમાજપ્રેમ દાખવવા વિશેષ સન્માન કરાયા હતા. આ બન્ને મારા જમણા, ડાબા હાથ હતા એવું કહેતાં આર.આર. પટેલે પીઠ થાબડી હતી. દાનની ગંગા અવિરત રહેતાં કરોડોના આંકની સરવાણી ચોથા દિવસે પણ જળવાઈ હતી. સમગ્ર પ્રકલ્પમાં મોટો ખર્ચ હોઈ કચ્છની સૌ કોઈ જ્ઞાતિ દાન આપી શકે તેવી હાકલ કરાઈ હતી. ગામ ફોટડીના કેન્યા-યુગાન્ડામાં વ્યવસાયી પરિવારે સ્વ. રતનબેન નારાણ પરબત હીરાણી, પિતા નારાણભાઈ (માસ્ટર પાવરવાળા), મુકેશકુમાર નારાણ હીરાણી ધ.પ. દર્શના, ક્રિશ અને વીર, અંશી શ્રેયા તરફથી 99,76,976 રૂપિયાના દાનની જાહેરાત કરાતાં સન્માન પહેરામણી કરાઈ હતી. સોમવારે સંપન્ન થઈ રહેલા સત્રમાં ગતરાત્રે ધોબી સમાજના દસ સભ્યોના અકસ્માતે નિધન માટે દુ:ખ વ્યક્ત કરી અંજલિ અપાઈ હતી. સમાજની ત્રણેય પાંખોના સભ્યોએ સક્રિય રહી સોંપાયેલી સેવા બખૂબી નિભાવી હતી. સમગ્ર આયોજનમાં સમાજમંત્રી રામજી સેંઘાણી, એજ્યુ. મેડિ. ટ્રસ્ટ મંત્રી કેશરાભાઈ પિંડોરિયાએ શ્રમ સમર્પણ કર્યાની લાગણી વ્યક્ત કરી હતી. થોડા જ સમયમાં દર રવિવારે ખાણીપીણીના સ્ટોલ અને કૃષિ ઉત્પાદનોની ગુર્જરી ભરવાનું નક્કી થતાં હવે ગૃહિણીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે જેના લીધે ગુણવત્તાયુક્ત ખેતપેદાશો વગર વચેટિયાઓએ પ્રાપ્ત કરી શકાશે. અનેક સમાજોની જેમ આ સમુદાયમાં પણ ત્રી-પુરુષ રેશિયો અસમતોલ થતાં લગ્ન વિષયક સમસ્યા નિવારવા આગામી સમયમાં પ્રયાસ કરાશે. ધંધા રોજગાર, ઉદ્યોગ-ધંધા માટે યોજનાઓ ઘડવા દાતાઓએ સાથ આપતાં એ ક્ષેત્રે પણ સમાજ નક્કર પગલાં ભરશે. માનકૂવા ખાતે આવાસ યોજના અને કે.કે. પટેલ હોસ્પિટલનું બિનખેતી પ્રક્રિયા પૂર્ણ થતાં જ કામ શરૂ કરી દેવાશે. વિશ્વ માંગલ્યની ભાવના અને સમાજવિકાસથી રાષ્ટ્રવિકાસના સંકલ્પ સાથે મહોત્સવે વિરામ લીધો હતો. મહોત્સવના પ્રસંગોની ક્લિપ વાયરલ થતાં વિશ્વવાસી જ્ઞાતિજનોએ વર્તમાન `ટીમ સમાજ'ને બિરદાવ્યો હતો. વિશ્વભરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી.